19 જુલાઈ2026ના રોજ લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ વનડે મેચ રોહિત શર્માના આંતરરાષ્ટ્રીય કરિયરની છેલ્લી મેચ બની શકે છે.
રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી રહ્યો છે. 19 જુલાઈએ લોર્ડ્સમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ત્રીજી અને અંતિમ વનડે રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ બનવાની શક્યતા છે. સૂત્રો અનુસાર, પસંદગીકારો અને ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટ દ્વારા રોહિત શર્માને જાણ કરવામાં આવી છે કે તેઓ તેને આગામી વર્ષે સાઉથ આફ્રિકામાં યોજાનાર વર્લ્ડ કપમાં તક નહીં આપે.
જોકે રોહિત શર્મા પોતે રમવાનું ચાલુ રાખવા માંગતા હતા અને તેમણે પોતાની ફિટનેસ પર પણ કામ કર્યું હતું, પરંતુ પસંદગીકારોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ શ્રેણી બાદ આગળ વધવા માંગે છે. નિવૃત્તિ અંગેનો અંતિમ નિર્ણય હવે રોહિત શર્માએ પોતે લેવાનો છે.
BCCI ની સિનિયર સિલેક્શન કમિટી અને હેડ કોચ ગૌતમ ગંભીરે રોહિત શર્માને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ 2027 ના વન-ડે વર્લ્ડ કપ માટે ભવિષ્યની ટીમ તૈયાર કરવા માંગે છે. આગામી વર્લ્ડ કપ સુધીમાં રોહિતની ઉંમર 40 વર્ષ પાર થઈ જશે, જેના કારણે સિલેક્ટર્સ હવે યુવા ખેલાડીઓ તરફ આગળ વધવા માંગે છે.

વર્ષ 2026માં રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સતત રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઇંગ્લેન્ડ સામેની પ્રથમ બે મેચમાં નિષ્ફળ ગયો (પ્રથમ મેચમાં 11 રન અને બીજી મેચમાં 26 રન). પહેલાં પણ તેનું પ્રદર્શન ખાસ રહ્યું નહોતું. આ વર્ષે તે 8 ઇનિંગ્સમાં માત્ર 241 રન બનાવ્યા છે. જેમાં તેની સરેરાશ 30.12 રહી છે. તેમ સ્ટ્રાઈક રેટ પણ સતત ઘટી રહ્યો છે. જ્યારે તે ભારતીય ટીમનો કેપ્ટન હતો ત્યારે પાવરપ્લેમાં 120થી વધુના સ્ટ્રાઈક રેટે રન બનાવતો હતો. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફી બાદ કેપ્ટનશિપ છોડ્યા પછી તેનો સ્ટ્રાઈક રેટ 90થી પણ નીચે પહોંચી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રોહિત શર્માની નિવૃત્તિનું ત્રીજું મોટું કારણ એ છે કે ટીમ ઇન્ડિયા પાસે મજબૂત વિકલ્પો છે. ભારતીય ટીમ પાસે ઓપનર યશસ્વી જયસ્વાલ છે. જેણે છ ODI માં બે સદી ફટકારી છે. ODIમાં તેની સરેરાશ 70થી વધુની છે. આ વર્ષે ODI ટીમમાં વાપસી કરનાર ઈશાન કિશન 45થી વધુની સરેરાશથી 1092 રન બનાવી ચૂક્યો છે. તેની પાસે ODIમાં એક બેવડી સદી પણ છે. મહત્વનું છે કે, તે વિકેટકીપર પણ છે અને સાઉથ આફ્રિકામાં યોજાનારા વર્લ્ડ કપમાં નિયમિત કીપર તરીકે રમી શકે છે.

રોહિતની વન-ડે કેપ્ટનશીપમાં ભારતને 2023 વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચાડવાનો સમાવેશ થાય છે, જ્યાં ટૉપ ઓર્ડરમાં ટીમના સંપૂર્ણ આક્રમક અંદાજે આ ફોર્મેટમાં ભારતની બેટિંગ કરવાની સ્ટાઇલને જ બદલી નાખી. બીજા વર્ષે એ જ અંદાજ ભારતના 2024 T20 વર્લ્ડ કપ જીતવાના અભિયાનમાં પણ જોવા મળ્યો. તેની કેપ્ટનશીપમાં ભારત 17 વર્ષ પછી T20 ફોર્મેટમાં ચેમ્પિયન બન્યું.
2025માં ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. તેણે ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે 76 રનની ઇનિંગ રમી હતી. તેની આ કેપ્ટન ઇનિંગની મદદથી ભારતે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી. તેની આ ઇનિંગના જોરે તેને પ્લેયર ઑફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.
રોહિતની કેપ્ટનશીપમાં ભારત 2023 વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચ્યું. તેણે ટીમને પહેલા બોલથી જ એટેક કરવાની વ્યૂહરચના શીખવી. આનાથી વન-ડે ક્રિકેટમાં ભારતનો અભિગમ બદલાઈ ગયો. આ જ ટેમ્પલેટ પર ભારતે 2024 T20 વર્લ્ડ કપ પણ જીત્યો. રોહિત વન-ડેમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વના એકમાત્ર બેટર પણ છે.
રોહિતની કેપ્ટનશીપમાં 103 મેચ જીતી
રોહિત શર્મા ભારતના સૌથી સફળ કેપ્ટનોમાં સામેલ છે. તેણે 2017થી 2025 વચ્ચે ત્રણેય ફોર્મેટ મળીને 142 મેચમાં કેપ્ટનશીપ કરી. આમાં ભારતે 103 મેચ જીતી. વન-ડેમાં તેણે 56 મેચમાં 42 જીત, T20 ઇન્ટરનેશનલમાં 62 મેચમાં 49 જીત અને ટેસ્ટમાં 24 મેચમાં 12 જીત નોંધાવી છે.
તેની કેપ્ટનશીપમાં ભારતે 2024 T20 વર્લ્ડ કપ અને 2025 ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે ICC ટાઇટલ પોતાના નામે કર્યા. તેણે ભારતને 2018 અને 2023 એશિયા કપ પણ જીતાડ્યો હતો.

T20 અને ટેસ્ટમાંથી પહેલા જ નિવૃતિ
રોહિત શર્માએ જૂન 2024માં ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને મે 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી ઓલરેડી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેથી હવે વનડે ક્રિકેટ તેનું એકમાત્ર સક્રિય ઇન્ટરનેશનલ ફોર્મેટ બાકી રહ્યું છે.
જોકે, આ બાબતે હજુ સુધી રોહિત શર્મા અથવા બીસીસીઆઈ (BCCI) તરફથી કોઈ સત્તાવાર (Official) જાહેરાત કે નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ ક્રિકેટ જગતમાં પ્રબળ ચર્ચા છે કે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રવિવારે તે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમીને નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.